આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે.
જોકે સૌથી મહત્વની વાત એ છે કે, હેરકલર કરાવ્યા પછી એને સાચવવો અને એની સુંદરતા કાયમ રાખવી, જેથી એ મહિનાઓ પછી પણ એવો ને એવો ફ્રેશ અને વાઇબ્રન્ટ દેખાય. ખાસ કરીને તડકામાં વાળમાં કરેલા હેર-કલર અને વાળના ઓરિજિનલ રંગ બન્નેને સાચવવા ખૂબ જરૂરી છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમના હેરમાં કલર લોન્ગ ટાઇમ સુધી રહેતો નથી. જો કે લાંબા સમય સુધી વાળમાં કલર રાખવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે પણ આ સમસ્યાનો ઉકેલ લાવીને તમારા વાળમાં કરેલા કલરને લાંબા સમય સુધી સાચવવા ઇચ્છતા હોવ તો આજથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
જિમમાં સ્ટીમ અને હોટ ટબ બાથ કલર કરાવ્યા પછી ન લેવું, કારણકે એનાથી પસીનો થાય છે જે વાળનાં રોમછિદ્રોને ખોલી દેશે. એ કલર વહેલો ઊતરી જવામાં કારણભૂત બનશે.
હેર-કલર લગાવતાં પહેલાં તમારા વાળ એ હેર-કલરનાં કેમિકલ્સને સહન કરી શકશે કે નહીં એની ચકાસણી કરો. જો વાળ પહેલેથી જ સનલાઇટથી ડેમેજ અને સૂકા થઈ ગયા હોય તો એના પર કલર લગાવવાથી એ વધારે ડેમેજ થશે. એટલે કલર લગાવતાં પહેલાં વાળને ડેમેજ થવાથી બચાવો.
વાળમાં શેમ્પૂ કરીને તરત જ કલર ન કરાવો. જોકે વાળને અઠવાડિયા સુધી ધોયા વગરના રાખીને મેલા વાળમાં કલર કરવાની જરૂર નથી, પણ વાળને 24થી 36 કલાક પહેલાં શેમ્પૂ કરી શકાય. વાળને આટલા કલાક પછી જ કલર કરવાનું કારણ એ છે કે વાળમાં જરૂરી એવા નેચરલ ઓઇલનું જમા થવું જરૂરી છે, જેથી કલર એબ્સોર્બ થવામાં મદદ થાય અને કલર લાંબા સમય સુધી ચાલે.
કલરવાળા વાળ પર વાપરવામાં આવતા શેમ્પૂ અને કન્ડિશનર પર પણ ધ્યાન આપો. જો એ પ્રોડક્ટ્સ કલર કરેલા વાળ માટે સ્પેશ્યલ ન હોય તો તમે ખોટું શેમ્પૂ વાપરી રહ્યા છો. કલર લગાવ્યા પછી વાળમાં ફરજિયાત કલર્ડ વાળ માટેનું શેમ્પૂ અને કન્ડિશનર જ વાપરો જેથી વાળની સોફ્ટનેસ જળવાઈ રહે.