ભલે તમે ક્યારેય રોમ ન ગયા હોય પરંતુ તેના વિષે સાંભળેલું તો હશે જ. ખાસ કરીને ઇતિહાસના વિષયમાં રોમનો ઉલ્લેખ અનેક જગ્યાએ આવે છે. રોમ આમ તો ઇટાલીની રાજધાની છે પરંતુ ઇટાલી સિવાય પણ એક દેશ એવો છે જેની રાજધાની પણ રોમ છે. અને એ બીજા દેશનું નામ છે વેટિકન સીટી. વેટિકન સીટી નામ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આ તો વિશ્વનો સૌથી નાનો દેશ છે અને તે ઈસાઈ ધર્મના પ્રમુખ સંપ્રદાય રોમન કેથોલિક ચર્ચનું વૈશ્વિક કેન્દ્ર છે. અસલમાં વેટિકન સીટી રોમની અંદર જ આવેલું છે તેના કારણે જ આ શહેરને ઇટાલી અને વેટિકન સીટી એમ બન્ને દેશોની રાજધાની માનવામાં આવે છે.
રોમને સાત પહાડોનું શહેર, પ્રાચીન વિશ્વની સામગ્રી અને ઈટરનલ સીટી (હોલી સીટી એટલે કે પવિત્ર શહેર) જેવા ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર વર્ષ 1871 માં ઇટાલી સામ્રાજ્યની રાજધાની બન્યું હતું અને વર્ષ 1946 માં ઇટાલી ગણતંત્રની રાજધાની બન્યું હતું.
પ્રાચીનકાળમાં રોમ એક સામ્રાજ્ય હતું જેના સંસ્થાપક પહેલા રાજા સેમ્યુઅલ હતા. એવું મનાય છે કે તેના નામ પરથી જ રોમનું નામકરણ કરવામાં આવ્યું હતું. સેમ્યુઅલનો એક જોડિયો ભાઈ પણ હતો જેનું નામ રેમુસ હતું કહેવાય છે કે તેણે એક માદા માંસાહારી જાનવર સાથે જીવનનો ઘણો ખરો સમય વિતાવ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે કોન્ક્રીટનો ઇતિહાસ પણ રોમ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે 2100 વર્ષ પહેલા ઇમારત બનાવવા માટે સૌપ્રથમ કોન્ક્રીટનો ઉપયોગ રોમન લોકોએ કર્યો હતો. એટલું જ નહિ એવું પણ કહેવાય છે કે દુનિયાનો સૌથી પહેલો શોપિંગ મોલ પણ અહીં 107 – 110 ઈસ્વી માં જ બની ગયો હતો અને ત્યારે તેને ” ટ્રેજન્સ માર્કેટ ” ના નામથી ઓળખવામાં આવતો. જો કે આજના સમયના મોલ અને ત્યારના સમયના ટ્રેજન્સ માર્કેટમાં ફેરફાર હોય એ સ્વાભાવિક છે.
રોમ શહેરને ચર્ચનું શહેર કહેવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે અહીં 900 થી વધુ ચર્ચ આવેલા છે જેમાં અમુક ચર્ચ તો સેંકડો વર્ષ જુના છે. એ સિવાય અહીં 200 થી વધુ ફાઉન્ટન એટલે કે ફૂવ્વારા પણ છે. અહીંનો ઐતિહાસિક ટ્રેવી ફાઉન્ટન અહીં ફરવા આવતા પર્યટકો માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર રહે છે.
રોમમાં આવેલા ” કોલોજીયમ ” વિષે તો તમે કદાચ સાંભળ્યું જ હશે. કોલોજીયમને અંગ્રેજીમાં ” ફલાવીયન એમ્ફીથિયેટર ” કહેવાય છે. નોંધનીય છે એક રોમન કોલોજીયમ દુનિયાની સાત અજાયબીઓ પૈકી એક છે અને યુનેસ્કો દ્વારા આ અજાયબીને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થં અપાયું છે. કહેવાય છે કે મધ્ય યુગ સુધી કોલોજીયમનો ઉપયોગ એક કિલ્લા તરીકે થતો હતો.