સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈપણ દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાની જવાબદારી કમાન્ડો કે લશ્કરના જવાનો સંભાળતા હોય છે. રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીની એ સુરક્ષા એટલી ચુસ્ત હોય છે કે ત્યાં સામાન્ય માણસનું પ્રવેશવું લગભગ અશક્ય છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા પક્ષીઓ કરે છે અને તેનું એક ખાસ કારણ પણ છે.
અસલમાં રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેના નજીકના પ્રમુખ સરકારી આવાસોની સુરક્ષા માટે તે દેશના રક્ષા વિભાગે પક્ષીઓને જવાબદારી સોંપી છે. આ પક્ષીઓમાં ઘુવડ અને બાજનો સમાવેશ થાય છે. બાજ અને ઘુવડની એક ખાસ ટીમ આ આવાસોની સુરક્ષા સંભાળે છે.
આ દેશના રક્ષા વિભાગે રાષ્ટ્રપતિ ભવનની કડક સૃરક્ષા માટે એક ટીમ તૈયાર કરી છે. શિકારી પક્ષીઓની આ ટીમ 1984 થી રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા કરી રહી છે. કહેવાય છે કે આ ટીમમાં હાલ 10 થી વધુ ઘુવડ અને બાજ પક્ષી છે. આ બાજ અને ઘુવડને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર આ શિકારી પક્ષીઓની ખાસ ટીમ 1984 માં જ બનાવવામાં આવી હતી. આ ટીમ બનાવવા પાછળનું કારણ દુશમનોની ચાલાકી અને ષડયંત્રોને નિષ્ફળ કરવા માટેનું નહિ પણ કાગડા અને અન્ય પક્ષીઓના ચરકથી રાષ્ટ્રપતિ ભવન અને અન્ય આસપાસના સરકારી આવાસોને ચોખ્ખું રાખવાનું છે. આ માટે બાજ અને ઘુવડને બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે આ પક્ષીઓ કાગડાઓને જોઈને સીધા જ તેના પર હુમલો કરી દે છે અને તેને રાષ્ટ્રપતિ ભવનથી દૂર ભગાવી દે છે. આ પક્ષીઓની ટીમ સંઘીય ગાર્ડ સેવાનો પણ એક ભાગ છે.
ક્રેમલિન અને તેની આસપાસના સરકારી આસપાસના આવાસોમાં ગંદકી ફેલાવતા પક્ષીઓથી સુરક્ષા માટે નિયુક્ત આ પક્ષીઓની ટીમમાં 20 વર્ષીય એક માદા ” અલ્ફા ” અને તેનો સાથી ” ફાઇલ્યા ” ઘુવડ છે. આ બન્ને પક્ષીઓ જયારે કોઈ કાગડો રાષ્ટ્રપતિ ભવન આસપાસ આવે કે તેનો અવાજ સંભળાય ત્યાં તરત જ પહોંચી જાય છે અને તેના પર ઝપટી તેને રાષ્ટ્રપતિ ભવનથી દૂર ભગાવી દે છે. આ પક્ષીઓની ટીમની સારસંભાળ માટે નિયુક્ત 28 વર્ષીય એલેક્સ વાલાસોવ કહે છે કે આ પક્ષીઓને રાખવનો હેતુ ફક્ત કાગડાઓથી છુટકારો મેળવવાનો જ નથી પરંતુ તેને સરકારી આવાસોથી દૂર રાખવાનો પણ છે જેથી તેઓ ત્યાં પોતાના માળા ન બનાવે.
રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આસપાસના સરકારી આવાસોની દેખરેખ કરનાર પાવેલ માલ્કોવ કહે છે કે સોવિયત સંઘના શરૂઆતી સમયમાં આ સરકારી ઇમારતોની સુરક્ષા માટે કાગડાઓને મારી નાખવા અથવા દૂર ભગાવી દેવા માટે ગાર્ડ રાખવામાં આવ્યા હતા. સાથે જ તેને ડરાવવા માટે શિકારી પક્ષીઓના રેકોર્ડેડ અવાજો પણ ઉપયોગમાં લેવાતા પરંતુ આ બધા નુસખા નિષ્ફળ નીવડ્યા હતા.