૬૦૦ વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ : જેને મા આશાપુરાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે
ભારતમાં એવું પણ કહેવાય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક દેવી દેવતાનું એકાદ મંદિર તો જરૂર જોવા મળે છે. વિશ્વભરમાં આપણા ભારત દેશને ધર્મપ્રિય દેશ પણ ગણવામાં આવે છે. આપણે ત્યાં અનેક ધર્મના લોકો રહે છે. આપણા દેશમાં ઘણા જુના અને પૌરાણિક મંદિરો પણ આવેલા છે.
આવા દરેક મંદિરોનો એક અલગ જ મહિમા અને અલગ જ ઈતિહાસ પણ હોય છે. દરેક મંદિરો આસ્થાની દ્રષ્ટીએ ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહયા છે. દેવ અને દેવીઓના આવા અનેક મંદિરો ધરાવતા આપણા દેશમાં દેવીઓના મંદિરોની મહિમા અને ચમત્કારો અનોખા જ ગવાયેલા છે. તો આજે આપણે એવા જ દેવી, માં આશાપુરના મંદિર માતાના મઢની વાત કરીશું.
કચ્છમાં સ્થિત છે આ મંદિર
ગુજરાત રાજ્યમાં કચ્છની રાજધાની એવા ભૂજથી લગભગ 80 જેટલા કિલોમીટર જેટલા દૂર આવેલ માતાનો મઢ એટલે કે સૌની આશા પૂરી કરનાર જગજનની માતા આશાપૂરાનું મંદિર. માતાનો મઢ એ અનેક ચમત્કારિક કથાઓના કારણે લોકોમાં આસ્થાનું પ્રતિક બની ચુક્યો છે. લોકવાયકાઓ છે કે માતા અહી સ્વયભું પ્રકટ થયા હતા. જો કે માતાજી કમર સુધી જ પ્રકટ થઇ શક્યા હતા. કદાચ એટલે જ આજે પણ માં આશાપુરા એમના એકેય મંદિરમાં પૂર્ણ દેહમાં નથી જોવા મળતા. જો કે માતાના મઢને માતાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. એટલે દેશ-વિદેશથી પણ અહી લોકો દર્શનાર્થે આવે છે.
મંદિર નિર્માણની લોકકથા :
સામાન્ય રીતે દરેક મંદિર સાથે એક ઈતિહાસ સંકળાયેલો હોય છે. લગભગ ચૌદમી સદીના આરંભમાં આ વિસ્તારમાં લાખા કુલાનીના પિતાના શાસનકાળમાં બે વાણિયા મંત્રીઓ હતા. જેમના નામ હતા અજો અને અનો. માન્યતાઓ છે કે આ બંને કરાડ વાણિયાઓએ જ પાછળથી આ મંદિર બંધાવ્યું હતું. આ સિવાયની વાણીયાની એક બીજી લોકવાયકા પણ છે. જો કે પછીથી આ મંદિર પડી જવાના કારણે નાશ થયો હતો, જેનું કારણ 18મી સદીમાં આવેલ ભૂકંપ હતો. ત્યારબાદ ફરીથી બ્રહ્મ ક્ષત્રીય વલ્લભાજીએ આ મંદિર ફરી એકવાર બંધાવ્યું હતું. ત્યારે આ મંદિર અઠાવન ફૂટ લાંબુ, બત્રીસ ફૂટ પહોળું અને લગભગ બાવન ફૂટ જેટલું ઊંચુ હતું.
મંદિરમાં ૬ ફૂટની સ્વયભું લાલ મૂર્તિ
વલ્લભાજીના પુનઃનિર્માણ બાદ એકવાર ફરી આ મંદિર 2001ના ભૂકંપમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ભૂકંપમાં મંદિરને મોટું નુકશાન થયું હતું, મંદિરનો ગુંબજ પણ તૂટી ચુક્યો હતો. જો કે ફરી વાર આ મંદિરનો ઝીર્ણોધાર કરવામાં આવ્યો, આમાં સમય જતા આ મંદિર ભક્તોની કૃપાથી ભવ્ય અને વિશાળ બનતું રહ્યું. આજે આ મંદિર જુના સમયની દ્રષ્ટીએ વિશાળ પટાંગણમાં વિસ્તરેલું છે. જેની મુર્તિ જ છ ફૂટ લાંબી અને પહોળી છે. કહેવાય છે કે આ પ્રતિમા સ્થાપિત કરાયેલી નથી પણ સ્વયંભૂ પ્રકટ થયેલ છે. આખી પ્રતિમા લાલ રંગની છે.
માતા દ્વારા થયેલા ચમત્કાર
લોકમાન્યતાઓ એવી છે કે કચ્છ ક્રોમવેલના જમાદારને પણ માતાના ચમત્કારનો સાક્ષાત્કાર થયો હતો. ભલે તેઓ ધર્મથી મુસ્લિમ હતા, તેમ છતાં માતાને તેઓ ખુબ જ માને છે. એમણે ભેટ સ્વરૂપે મંદિરમાં એકતાળીસ વાટની ચાંદીની દીવી આપી હતી. જો કે અનેક લોકો આવા નાના મોટા ચમત્કારના સાક્ષી રહ્યા છે.
મંદિરના પંડિતને પુજારી નહિ રાજબાવા કહેવાય છે
અહી મંદિરના પૂજારીને પણ રાજા જેટલું જ માન અને સન્માન મળે છે. એમને પુજારી નહિ પણ રાજબાવા કહીને સંબોધવામાં આવે છે. કહેવાય છે કે જો કચ્છના રાજા પણ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે તો એ પણ રાજાબાવાનું અન્ય લોકો જેટલું જ સન્માન જાળવે છે. રાજાબાવા પોતાના સિંહાસન પર બેસે અને કચ્છના રાજા હોય તોય તેઓ એમની સામે નીચે જમીન પર જ બેસે. આમ આ મંદિરના પુજારીને પણ સન્માનજનક સ્થાન મળે છે તેમજ એમને માન પૂર્વક બોલાવાય છે. મા આશાપુરા કચ્છ અને જામનગરના જાડેજા કુળના કુળદેવી છે.
મા આશાપુરા ચૌહાણ કુળના કુળદેવી પણ છે
કચ્છનું માતાનું મઢ સ્થાનક એ મા આશાપુરાનું પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. જો કે આ જાડેજા કુળના કુળદેવી છે. તેમ જ રાજસ્થાનમાં રહેલા ચૌહાણ ગૌત્રના કુળદેવી પણ મા આશાપુરા જ છે. જો કે આશાપુરાનું પ્રાગટ્ય સ્થાન ભલે માતાના મઢમાં છે, પણ એમનું પાટસ્થાન રાજસ્થાનના નાડોલમાં આવેલું છે. કહેવાય છે કે જો પૂજા માટે માતાજીનો પાટ ખરીદવો હોય, તો ફરજીયાત પણે તમારે માતાજીના પાટસ્થાન તરીકે પ્રખ્યાત નાડોલ (રાજસ્થાન) આવવું પડે છે.
દર આસો નવરાત્રીમાં અહી ભક્તોના ઘોડાપુર ઉમટે છે.
દર આસો માસની નવરાત્રીમાં માતાના મઢ ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા માટે શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલીને મંદિર સુધી આવે છે. અંબાજી બહુચરાજીની પદયાત્રાની જેમ જ માતાના મઢના રસ્તા પર પણ સેવાભાવી સંગઠનો દ્વારા પદયાત્રીઓની સેવા માટે આખા રસ્તે કેમ્પ નાખવામાં આવે છે. છેક સૂરજબારીથી લઈને માતાના મઢ સુધીમાં હજારો કેમ્પ પદાયત્રીઓ અને ભક્તની સેવા માટે રાતોરાત ઊભા થઈ જાય છે. આ કેમ્પમાં જમવાની, નાહવાની, આરામ કરવાની, મેડિકલ સુવિધા તેમ જ અન્ય નાની મોટી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આઠમના દિવસે આજે પણ રાજવી પરિવાર અહી યજ્ઞ કરે છે
આસો નવરાત્રી દરમિયાન કચ્છ માતાના મઢ માતાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ સમયે ગામના પાદરથી લઈને માતાના મંદિર સુધી દર્શનાર્થીઓની લાઈનો જોવા મળે છે. માતાજીને પ્રસાદ તરીકે ચડાવવામાં આવતા નાળિયેરના છોતરાંઓ આખાય રસ્તા પર એવી રીતે પથરાઈ જાય છે, કે એક નજરે જોતા એવું જ લાગે કે નાળિયેરના છોતરા દ્વારા જ રસ્તો બનાવવામાં આવ્યો છે. લાખો લોકો આ સમય દરમિયાન માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આઠમના દિવસે તો આજે પણ કચ્છનાં રાજા અને એમનો પરિવાર અહી યજ્ઞ કરે છે. હાલ પણ એમના વંશજો આઠમના દિવસે માતાના મઢ આવીને મા ભવ્યથી ભવ્ય યજ્ઞ અને મહોત્સવનું આયોજન કરાવે છે તેમ જ માતાની આરતીમાં સામેલ રહીને જાતર પણ ચઢાવે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More