ભારતનું આ કાચબાના આકારે બંધાયેલ પૌરાણિક મંદિર દર્શનાર્થિઓ માટે છે કૌતુકનો વિષય. તેના સ્તંભ, જમીન સાથે જોડાયેલા નથી. પરંતુ હવામાં ઝૂલે છે… હવામાં અદ્ધર છે આ મંદિરના સ્તંભ. રહસ્યમય રીતે ટક્યું છે દાયકાઓથી આ પૌરાણિક મંદિર…
કોઈપણ ઇમારતનો આધાર તેમના સ્તંભ સાથે જોડાયેલ છે. તેની મજબૂતી ઉપર અને તેના ટકાઉપણા ઉપર આખી ઈમારતને સ્થિર રાખવાની હોય છે. જેમ કહેવાય છે કે કોઈ વ્યક્તિ પણ તેના પરિવાર માટે આધાર સ્તંભ હોય છે. એટલે કે તે તેના પરિવારનું ભરણપોષણ કરે છે. તેના પરિવારને ટકાવી રાખવામાં તેનો મહત્વનો ફાળો છે. એજ રીતે માત્ર ઇમારતો જ નહીં પરંતુ મંદિરોના ભવ્ય બાંધકામોમાં તો આ સ્તંભો ખૂબ મહત્વના આધાર હોય છે.
ઊંચા ગુંબ્બજ અને મોટા સ્તંભો જ મંદિરોની ખાસિયત હોય છે. એની સાથે જો અમે આપને જણાવીએ કે ભારતમાં એવું પણ એક મંદિર છે જેના પાયાભૂત સ્તંભો જમીન સાથે જોડાયેલા નથી પરંતુ તે હવામાં અદ્ધર છે. તો તમને થશે કે અમે ખોટી વાત કરીએ છીએ. આ એક સત્ય હકીકત છે. જે ત્યાં દર્શન કરવા આવનાર દરેક ભક્તોમાં કૌતુકનું કારણ પણ બને છે. આ મંદિર તેમાં સ્થાપિત દેવી – દેવતાના મહત્વની સાથે મંદિરના બંધકામની સાથે જોડાયેલ રહસ્યને લીધે પણ પ્રખ્યાત છે અને ત્યાં દર્શન કરવા આવેલ લોકોમાં અહીંના સ્તંભોને જોવાની પણ ઉત્સુક્તા રહેતી હોય છે.
આ મંદિરમાં કુલ એવા ૭૦ સ્તંભ છે જે જમીનથી જોડાયેલ નથી. તેને નિરિક્ષણ કરીને જોઈએ તો ખ્યાલ આવશે કે તે હવામાં અદ્ધર છે. મંદિરની આજ ખાસિયતને કારણે તેને હેંગિંગ પિલર્સ ટેમ્પલના નામથી ઓળખાય છે. તેનું ખરું નામ છે, લેપાક્ષી મંદિર. આ મંદિર આંધ્ર પ્રદેશના અંતરપુજ જિલ્લામાં આવેલ છે. તેના સાથે જોડાયેલ આ રસહસ્ય દાયકાઓથી અકબંધ છે. તેના સ્તંભ શા કારણે જમીનથી ચોંટી નથી શક્યા અને એવું કયું કારણ છે કે મંદિરની આખી ઇમારત એમને એમ આટલા લાંબા વખતથી અદ્ધરતાલ ટકી શકી છે. મંદિરના બાંધકામની ભવ્યતા અને તેની સાથે જોડાયેલ આ માન્યતાને કારણે આ મંદિર દર્શનાર્થિઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
લેપાક્ષી મંદિરના આ રસસ્યમય સ્તંભ વિશે જાણે આ ખાસ વાતો…
આકાશ સ્તંભના નામથી જાણીતા છે, આ લેપાક્ષી મંદિરના અનોખીરીતે અદ્ધર રહેલા સ્તંભો. જમીનથી અડધો ઇંચ જેટલા અંતરથી તે અદ્ધર છે. એની સાથે એવી માન્યતા પણ જોડાયેલ છે કે તેની આરપાર કોઈ વસ્તુને પસાર કરવામાં તમે જો સફળ રહ્યા તો ઘર – પરિવારમાં બહુ જ જલ્દી કોઈ સારા સમાચાર તમને જરૂર મળશે. સુખ – સમૃદ્ધિની કામના કરીને લોકો તે સ્તંભ નીચેથી કાપડ પસાર કરવા માટેની માનતા રાખે છે. આ સ્તંભ નીચેથી કાપડ સરળતાથી પસાર થાય ત્યારે ભાવકોને અનેરો આનંદ અને ઉત્સાહ જાગે છે. પોતાનું કામ જરૂર પાર પડશે તેવી શ્રદ્ધા બેસે છે.
એક બ્રિટિશ ઇન્જિનિયરે કૌતુકને કારણે હલાવ્યો હતો સ્તંભ…
આ મંદિરના અનોખા બાંધકામ સાથે અનેક સ્તંભો જોડાયેલા છે. જે તે સમયે ભારતમાં બ્રિટિશ સરકારનું રાજ હતું ત્યારે એક બ્રિટિશ ઇન્જિનિયરે કુતૂહલવશ આ સ્તંભને હલાવી જોયા હતા. એવી માન્યતા છે કે જે તે સમયથી આ મંદિરના સ્તંભ અદ્ધર થઈ ગયા છે અને તેમ છતાં મંદિરના મૂળ બાંધકામને અને તેની આખી ઇમારતને કોઈ જ ક્ષતિ પહોંચી નથી. તેથી દાયકાઓથી તેના સ્તંભ આમને આમ અદ્ધર જ રહ્યા છે.
આ અનોખા મંદિરમાં મૂર્તિઓ પણ એવી સ્થપાઈ છે, જેના વિશે આપ જાણશો તો નવાઈ લાગશે. આ મંદિરમાં ભગવાન ભોળાનાથનું કૃર સ્વરૂપ કહેવાય છે તેવું વીરભદ્ર રૂપની મૂર્તિ સ્થાપિત છે. આ ભગવાન વીરભદ્ર મહારાજ સાથે જોડાયેલ પૌરાણિક દંતકથા એવી છે કે તે દક્ષ રાજાના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા છે. આ સિવાય અહીંના મંદિરમાં કંકાલેશ્વર, દક્ષિણામૂર્તિ, અર્ધનારેશ્વર તેમજ ત્રિપુરાતકેશ્વર જેવા મહાદેવના ભયંકર સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપિત છે. મુખ્યત્વે આ એક શિવાલય છે, પરંતુ અહીં મા ભ્રદ્રકાળીની મૂર્તિ પણ સ્થાપિત કરાયેલ છે.
મંદિરમાં છે એક પગલાંનું નિશાન, જે ત્રેતાયુગની સાક્ષી હોવાનું કહેવાય છે.આ મંદિરમાં એક મોટાંકદનું ખાસ પ્રકારના પગલાંનું નિશાન આવેલું છે. જેની સાથે એવી માન્યતા જોડાયેલ છે કે તે પગલું ત્રેતા યુગના સમયનું હોવું જોઈએ. તેની સાથે એવી અટકળ પણ છે, કે તે રામ ભગવાનના પગલાંનું નિશાન છે, તો કોઈ એવું પણ કહે છે કે તે માતા સીતાના પગલાં પણ હોઈ શકે છે.
રામ રાજના સમયમાં જ્યારે રાજા રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ વનવાસમાં હતા અને લંકાપતિ રાવણના હાથે માતા સીતાનું હરણ થયું હતું. તે સમયે અપહરણની ભાળ આપનાર જટાયુ અહીં જ રાવણના પ્રહારથી ઘાયલ થઈને પડ્યો હતો. તેણે આ જ જગ્યાએ રામને આંખે જોયેલ વાત જણાવી હતી. કહેવાય છે કે પૌરાણિક ૠષિ અગસ્તએ આ મંદિર બંધાવ્યું છે.
વધુમાં એવું પણ કહેવાય છે કે તે મંદિર ૧૬મી સદીમાં વિરૂપન્ના અને વિરન્ના નામના બે ભાઈઓએ તેનું નિર્માણ કરાવ્યું છે, જે વિજયનગરના રાજા સાથે એ સમયમાં કામ કરતા હતા. કહેવાય છે તે કાચબા આકારનું બનેલું છે. કુર્માસેલમની ઊંચી પહાડીઓ પર બનેલ આ મંદિરનું બાંધકામ અસ્સલ કાચબાના આકાર જેવું છે.