યુગશક્તિ મા ગાયત્રીના નામ સ્મરણથી જ શક્તિનો સંચાર ઉત્પન્ન થયાની અનુભૂતિ થાય છે. જગતપિતા બ્રહ્માના પરમતપથી જ ગાયત્રી, સાવિત્રી પ્રગટ થયાં છે અને તેઓ બ્રહ્માજીના પત્ની સ્વરૂપે સ્થાન પામ્યાં છે. ગાયત્રી એટલે જ્ઞાન અને સાવિત્રી એટલે વિજ્ઞાન. કહેવાય છે કે તમામ વેદોની ઉત્પત્તિ મા ગાયત્રીના તેજમાંથી થઈ છે જેથી એમને વેદમાતા કહેવાય છે.
મા ગાયત્રીના ત્રણ સ્વરૂપો વેદોપનિષદો ખાસ કરીને દેવી ભાગવતમાં નોંધાયાં છે. જેમાં સવારના સમયે કુમારી અવસ્થામાં મા ગાયત્રી બ્રાહ્મી સ્વરૂપે હોય છે. જેમનું વાહન હંસ છે અને એમની પંચમુખી બે હસ્ત મુદ્રા સ્વરૂપ હોય છે. બપોરના સમયે યુવતી સ્વરૂપે વૈષ્ણવી રૂપે ગરુડ પર બીરાજેલાં હોય છે. ત્યારે એકમુખી અને ચાર હસ્ત સ્વરૂપ હોય છે. સંધ્યા સમયે મા ગાયત્રી પ્રૌઢાવસ્થામાં રૂદ્રાણી રૂપે બળદ પર સવાર હોય છે. અને એક મુખ અને ચાર હાથ ધરાવે છે. ત્રણ પ્રકારે મા ગાયત્રીની શક્તિનો સંચય વિવિધ સ્વરૂપે જોઈ શકાય છે. વેદમાતા ગાયત્રીના આ પંચમુખ સ્વરૂપમાં એમના ચાર ભૂજાઓ છે જેમાં દરેક હાથમાં એક – એક વેદ રાખેલ છે. એવું એમની તેજોમય મૂર્તિઓમાં જોઈ શકાય છે.
મા ગાયત્રીનો ઉપાસના મંત્ર મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ છે. જેનો ઉલ્લેખ યજુર્વેદના છવ્વીસમાં અધ્યાયમાં નોંધાયો છે. ગાયત્રી મંત્રના એક એક શબ્દમાં શક્તિ, સામર્થ્ય અને સમૃધ્ધિનું જીવનમાં પ્રવેશ થાઓ. એવા હેતુથી કરાયેલ છે. જેથી સકારાત્મક ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત ગાયત્રીમંત્રને માનવામાં આવે છે.
ગાયત્રી એ વેદમાં નિશ્ચિત સાર્વત્રિક પ્રાર્થના છે. તે વિશ્વવ્યાપી સર્વશ્રેષ્ઠ વિભિન્ન અસ્તિત્વ ધરાવતો મંત્ર છે જેનું સંબોધન સવિતા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે જેમાંથી બધું જ જન્મ્યું છે. ગાયત્રી મંત્રની ઉપાસનાને ત્રણ ભાગમાં વહેંચણી કરીએ તો ૧) આરાધના, ૨), ધ્યાન ૩), પ્રાર્થના.
આ મંત્રમાં સૌ પ્રથમ દૈવિય ઉર્જાની પ્રશંસા કરાઈ છે. ત્યાર બાદ આદરભાવ પ્રગટ થયો છે અને છેવટે કપરા સમયમાં સદબુદ્ધિને જાગૃત કરીને મજબૂત દલીલ કરી શકવાનું સામર્થ્ય આપો એવી અરજ કરવામાં આવી છે. માનવતાના સુખકારી, કલ્યાણકારી અને મનોકામનાઓ પરિપૂર્ણ થાઓ એવા હેતુથી ગાયત્રી મંત્ર જાપનું અનુષ્ઠાન કરવું સર્વોચ્ચ મનાય છે.
ગાયત્રીમંત્રને તમામ વેદોનો સાર મનાય છે ત્યારે મનુષ્ય જાતિને મળેલ શ્રેષ્ઠ વરદાન એટલે બુદ્ધિ શક્તિનો સર્વોત્તમ ઉપયોગ કરી શકે એવું ઇચ્છાય છે. તેજસ્વી પ્રજ્ઞા અને ઉજ્જળ વિચારોથી ગાયત્રીમંત્રના જાપ કરીને ઉત્તમ ફળશ્રુતિ મેળવીને શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકાય છે.
ભારત દેશમાં ગાયત્રી ઉપાસનાને ખૂબ પ્રાધાન્ય મળ્યું છે. વિધિવિધાનમાંથી તારવેલ વિવિધ યજ્ઞો અને અનેક જુદજુદાં અનુષ્ઠાનો પરથી ગાયત્રીમંત્ર જાપ કરવાનું સૂચિત કરી શકાય છે.
ગયત્રીમાતા સૂર્યદેવના અધિષ્ઠાત્રી છે. જેમ સૂર્યનારાયણમાંથી ઉત્પન્ન થતી કણેકણની ઉર્જા પૃથ્વી પર પડે છે જેના થકી સમસ્ત જીવમાત્રને ઉર્જાશક્તિ પ્રાપ્ત થાય છે. દરેક કિરણોનો તેજોમય પ્રકાશ જીવંત કરી દેનારો છે એમ જ મંત્રના જાપ થકી શરીર વિજ્ઞાન, મનો વિજ્ઞાન અને આધ્યાત્મિક રીતે સમગ્ર માનુષ્યયોનિ અને પ્રાકૃતિક ચેતનાને ફળદાયી.
ગાયત્રી શક્તિપીઠ ભારતમાં તેમજ વિશ્વવ્યાપી સંસ્થાન તરીકે સ્થાપિત કરનારા પિતાતુલ્ય એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું એક કથન એવું છે કે, “પૃથ્વીની શરૂઆતના તબક્કામાં જ્યારે માતા ગાયત્રીનો પ્રચાર પ્રસાર સંસારમાં થયું ત્યારે એમનું નામ વેદમાતા હતું. ૫છી શું થઈ ગયું ? ૫છી તેમનું નામ દેવમાતા થઈ ગયું. દેવમાતા કેવી રીતે થઈ ગયું ? ૫હેલાં એ ઋષિઓના જમાનામાં ફક્ત સિદ્ધાંત હતા, બ્રહ્મવિદ્યા હતા, તત્વજ્ઞાન હતા અને ફિલોસોફી હતાં. ત્યાર૫છી વિસ્તાર થતો ગયો.
લોકોએ પોતાના જીવનમાં તેનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું, તો આ ભારતભૂમિમાં, જયાં તેત્રીસ કરોડ દેવતા રહેતા હતા, નાગરિક રહેતા હતા, એ દેવતાઓને જન્મ આ૫નારી, ગુણ-કર્મ-સ્વભાવમાં દેવત્વ ભરનારી ૫હેલાંની ગાયત્રી મહાશક્તિ હતી, જેનું નામ હતું દેવમાતા. હવે શું થવાનું છે ? હવે એક બીજા ચરણનો વિકાસ થવાનો છે – પ્રજ્ઞાવતાર રૂપે. યુગશક્તિ રૂપે હવે તેમનું નામ, તેમનું રૂ૫ સામે આવવાનું છે. કયું રૂ૫ સામે આવવાનું છે ? તેનું નામ છે વિશ્વમાતા.”
ગાયત્રીની કઠોર ઉપાસના દ્વારા યુગઋષિ બનીને સમગ્ર વિશ્વમાં ગાયત્રીનો મહિમા પ્રસરાવનાર મહાન ઉપાસક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ બતાવી આપ્યું કે ગાયત્રી ઉપાસના દ્વારા કેટલી મહાન સિદ્ધિઓ મેળવી શકાય છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક ગણાતા આપણા ચાર વેદમાં ગાયત્રી મહામંત્રની જ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે તે ઉપરાંત અન્ય પુરાણોમાં પણ તેનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે.
શ્રીમદ્ ભાગવત પુરાણમાં ગાયત્રી મંત્રનો સંપુટ લગાવીને સત્યં પરમ્ ધિમહિ શ્લોક દ્વારા ગાયત્રી મંત્રની જ વ્યાખ્યા કરવામાં આવી છે. ગાયત્રી મંત્ર વિશેની વિસ્તૃત સમજૂતી આપતા પંડિત શ્રીરામ શર્માજીએ કહ્યું છે કે કેટલાક લોકો એવું માને છે કે ગાયત્રી મંત્ર પર બ્રહ્નાજીનો શાપ લાગ્યો છે તેથી કલિયુગમાં તેને જપી શકાય નહીં તો કેટલાક કહે છે કે વિશ્વામિત્ર અને વિશષ્ઠ દ્વારા ગાયત્રી મંત્રને કલુષિત કરવામાં આવ્યો છે, પરંતુ બ્રહ્નાજીએ સૃષ્ટિના આરંભે એક હજાર વર્ષ સુધી તપ કર્યું અને ગાયત્રીની ઉપાસના કરી હતી.
તેઓ શાપ કેવી રીતે આપી શકે? વિશ્વામિત્ર તો બ્રહ્નર્ષિ બન્યા હતા. તેઓ પણ કેવી રીતે શાપ આપી શકે? ગાયત્રી વેદમાતા છે. માતા માટે તેનાં બધાં જ બાળકો એક્સરખાં વહાલાં હોય તેમાં કોઇ ભેદભાવ હોય નહીં, એમ કહીને પંડિત શ્રીરામ શર્માજી કહે છે કે ગાયત્ર મંત્ર વૈશ્વિક મંત્ર છે અને સહુ કોઇ આ મંત્રની ઉપાસના કરી શકે છે. મહિલાઓ માટે પણ ગાયત્રી મંત્રની ઉપાસના ઉપર કોઇ પ્રતિબંધ નથી. ગાયત્રીની સાથે યજ્ઞોપવીત ધારણ કરીને દ્રિજત્વ પ્રાપ્ત કરી સૌ ઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે. અંધકારયુગમાં ભારતીય સંસ્કૃતિને તોડવાના પ્રયાસો થયા છતાં આધ્ય શંકરાચાર્ય જેવા અનેક મહાપુરુષોએ આ સંસ્કૃતિને અખંડિત રાખવા પ્રયાસો કર્યા તેના કારણે વિશ્વમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ જ હજારો વર્ષથી ટકી રહી છે.
જ્યારે અન્ય સંસ્કૃતિઓ કાળના પ્રવાહમાં નષ્ટ થઇ ગઇ છે. ગાયત્રી, ગંગા, ગૌમાતાની ત્રણ ધારા સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ગાયત્રી મંત્રના જાપ કરવાનો બધાને અધિકાર છે અને એકવીસમી સદીમાં ભારત તેનું જગદ્ગુરુનું પદ પુન: પ્રસ્થાપિત કરવાનું છે તેવા દ્રઢ વિશ્વાસથી તેમણે શરૂ કરેલા અભિયાન રૂપે આજે ભારત ઉપરાંત અનેક દેશોમાં કરોડો ગાયત્રી ઉપાસકો આ સાધના દ્વારા તેમના જીવનમાં ઉન્નતિ કરી રહ્યા છે.
ખરું કહો તો જગતને તારણહાર જનની સ્વરૂપે શક્તિરૂપા માતા ગાયત્રીની છત્રછાયા અને શરણએ શ્રેષ્ઠ ઉપાય છે. જેનાથી સકારાત્મક ઉર્જાને ધારણ કરી શકવાનું માધ્યમ તરીકે અપનાવી શકાય છે. સાધકે ગાયત્રી માતાને એમના ઉપાસના કરતી વખતે શુદ્ધ મનથી પ્રાર્થના કરવાની રહે છે. જે સાધક, ગાયત્રીમંત્રનો જાપ કરે છે એમણે સવારના પહોરમાં એટલે કે પ્રાતઃકાળે સ્નાનાદિકાર્ય પતાવીને પીળું કે કેસરી ઉપવસ્ત્ર પહેરી કે જે રેશ્મી કે સુતરાઉ હોય તો વધારે સારું. પૂજાના દેવસ્થાને પૂર્વાભિમૂખ આસન પર બેસીને ઘીના દીવાની સાક્ષીએ પદ્માસન કે સુખાસનમાં પલાંઠી વાળીને બેસવું જોઈએ. માળા જો રૂદ્રાક્ષની હોય તો વધારે સારું. માળા કરતી વખતે માળાને ઉપવસ્ત્રની અંદર રાખીને કે ગૌમુખીમાં રાખીને માળા કરવી જોઈએ. જેથી આપનું અનુષ્ઠાન ગુપ્ત રહે.
ગાયત્રીમંત્ર, અર્થ અને તેને જપવાની રીત
ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.
ૐ – સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: – પદાર્થ અને ઊર્જા
ભુવ: – અંતરિક્ષ
સ્વ: – આત્મા
ૐ ભૂર્ભુવ: સ્વઃ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવાવાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
તત્ – તે, તેઓ
સવિતુ: – સૂર્ય, પ્રેરક
વરેણ્યં – પૂજ્ય
ભર્ગ: – શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય – દેવતાના, દેવતાને
તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય – તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને
ધીમહિ – અમારું મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
ધિય: – બુદ્ધિ, સમજ
ય: – તે (ઈશ્વર)
ન: – અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે
સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
ગાયત્રીમંત્રનો આ ગૂઢાર્થ ત્યારે સાચી રીતે આત્મસાત કર્યો કહેવાશે જ્યારે આપણાંમાં વિશુદ્ધ પ્રેમ, અહંકાર વિનાનો કોઈજ અપેક્ષા કે શરતો વિના વિશ્વના દરેક જીવમાત્ર સાથે આપણે જાને એકાકાર કરી શકીશું.
જેટલો ઉચ્ચારણમાં સરળ છે, એટલો એનો અર્થ પરિપૂર્ણ છે. તેથી જ તેને શ્રેષ્ઠ મંત્રરૂપે સમસ્ત જગતમાં સ્વીકૃતિ મળેલ છે. વેદમાતાના શરણે આવેલ સાધક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્ભયતાથી ઊગરી શકે છે. મમત, અહં, ભય, અસ્વસ્થતા કે વિચલીત મન જેવા વિકાર રહિત થવામાં અને પ્રસંન્ન ચિત્ત રહેવામાં નિશ્ચિતપણે સહાયક છે.
બ્રહ્મમુહૂર્તમાં કે પછી સંધ્યાકાળે ધૂપ, દીપ – અગરબત્તી – નૈવેદ્ય સાથે પીળા કપડાં પર મા ગાયત્રીની છબીની સ્થાપના કરી સવાર સાંજ માળા કરી શકાય છે. આ સિવાય ભારતીય હિન્દુ ધાર્મિક પંચાંગમાં ચાર નવરાત્રીનું ખૂબ મહત્વ છે, ચૈત્રીનવરાત્રી, અષાઢ નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને ચાર નવરાત્રીમાં સૌથી મોટી ગણાતી નવરાત્રી એટલે આસો માસની નવરાત્રી. નવરાત્રિમાં ગાયત્રીનું લઘુ અનુષ્ઠાન કરવાની સુંદર તક છે ત્યારે નવ દિવસ સુધી દરરોજ ગાયત્ર મંત્રની ૨૭ માળા કરવાથી ૨૪ હજાર મંત્રનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે. જેઓ સળંગ ત્રણ-ચાર કલાક બેસી શકે તેમ ન હોય તેઓ સવાર-સાંજ થઇને પણ ૨૭ માળા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત વધુ કામકાજ રહેતું હોય તો ગાયત્રી ચાલીસાના દરરોજ ૧૨ પાઠ કરવાથી અથવા ૨૪૦૦ મંત્રનું મંત્રલેખન નવ દિવસમાં પૂર્ણ કરીને પણ ગાયત્રીનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે.
અનુષ્ઠાનની વિધિ : અનુષ્ઠાનના પ્રથમ દિવસે પાટલા કે બાજોઠ ઉપર પીળું કપડું પાથરી ગાયત્રી માતા અને ગુરુદેવના ચિત્રની સ્થાપના કરી, શુદ્ધ કળશમાં પાણી ભરી તેમાં આસોપાલવ કે નાગરવેલનાં પાંચ પાન મૂકી શ્રીફળ મૂકવું અને કળશને ચોખાની ઢગલ ઉપર પધરાવવો. મંત્રજાપ દરમિયાન અખંડ દીપ રહે તેવી વ્યવસ્થા કરવી અને દરરોજ બ્રહ્નસંધ્યા તેમજ શાંતિપાઠ, ગુરુપૂજન, કળશપૂજન વગેરે કર્યા પછી મંત્રજાપમાં બેસવું. જાપ દરમિયાન આકસ્મિક કારણથી ઊભા થવું પડે તો વધારાની એક માળા જપવી. બની શકે તો દરરોજ અથવા છેલ્લા દિવસે કુલ જાપના દશાંશ ગાયત્રીનો યજ્ઞ કરીને આહુતિ આપવી અને દક્ષિણારૂપે સદ્જ્ઞાનનો ફેલાવો થાય તેવા સાહિત્યનું યથાશક્તિ દાન કરવું તેને બ્રહ્નભોજ કહેવામાં આવે છે.
પાળવાના નિયમો : અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ બ્રહ્નચર્ય પાળવું, તેમજ બની શકે તો ઉપવાસ અથવા એકવાર ભોજન લેવું. ભોજનમાં મીઠું અને ગળપણનો ત્યાગ કરવાથી અસ્વાદ વ્રત પણ કરી શકાય. જમીન ઉપર હળવી પથારી કરીને સૂઇ જવું. ચામડાનાં પગરખાં કે પટ્ટો વગેરે વસ્તુઓ નવ દિવસ વાપરવી નહીં. હજામત જાતે કરવી. શિખા અને યજ્ઞોપવીત ધારણ કરવી. છેલ્લા દિવસે કુંવારિકાઓ અથવા યથાશક્તિ બ્રહ્નભોજન કરાવવું.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More