આજે લોકો પોતાના ખોરાક કે સ્વાસ્થ્ય પાછળ એટલો ખર્ચો નથી કરતાં જેટલો ખર્ચો તેઓ પોતાના દેખાવ અને વસ્ત્રો પાછળ કરે છે. એક અહેવાલ પ્રમાણે 80નાં દાયકા કરતાં આજે કપડાનું માર્કેટ 400 ગણું વધી ગયું છે. આજે લોકોને એકના એક વસ્ત્રો વારંવાર પહેરતા શરમ આવે છે. એક બાજુ લોકો કપડું ઘસાયું પણ ન હોય અને તેને ફેંકી દેતા હોય છે તો બીજી બાજુ લોકોને ફેશનમાં ઘેલા થઈને ફાટેલા કપડાં પહેરવામાં કોઈ જ વાંધો નથી.


આજકાલ ફાટેલા જીન્સના પેન્ટ કે જેકેટ કે પછી શોર્ટ્સ પહેરવાની ભારે ફેશન છે. જીન્સ મૂળે તો અમેરિકાની ખાણોમાં કામ કરતાં લોકો માટેનો એક રફ પહેરવેશ હતો કે ત્યાં જીન્સ જેવું જાડું કપડું ટકી શકે પણ ધીમે ધીમે જીન્સ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું અને આજે તમને દુનિયામાં એક એવી વ્યક્તિ નહીં મળે જેની પાસે જીન્સની એક જોડી ન હોય.


પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે એક જીન્સનું પેન્ટ બનાવવામાં જેટલું કાપડ વપરાય છે તેને બનાવવામાં તેમજ તેની પ્રક્રિયામાં પુષ્કળ પાણી, ઉર્જા, અને માનવ મહેનતની જરૂર પડે છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકા કે જે જીન્સની જનની છે, આમ તો સૌ પ્રથમ જીન્સ ફ્રાન્સમાં બનાવવામાં આવ્યું હતું પણ તેનું ધમધોકાર પ્રોડક્શન 18મી સદીથી અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકામાં દર વર્ષે 45 કરોડ જીન્સનું વેચાણ થાય છે. આ આંકડો માત્ર અમેરિકાનો જ છે.


મળેલી માહિતી પ્રમાણે એક જીન્સનું પેન્ટ બનાવવા પાછળ 10000 લીટર કરતાં પણ વધારે પાણી, તેમજ એક બલ્બ 1000 દીવસ સુધી પ્રકાશ આપે તેટલી ઉર્જાનો વપરાશ થાય છે. જીન્સનું કાપડ ઘણી બધી પ્રક્રિયાઓ બાદ બને છે. જીન્સ કોટન એટલે કે કપાસમાંથી બને છે અને એક જીન્સના પેન્ટ પાછળ જેટલું કોટન વપરાય છે તેને ઉગાડવા માટે 7-8 હજાર લીટર પાણીની જરૂર પડે છે. પણ ત્યાર બાદની જે પ્રક્રિયાઓ છે જેમ કે જીન્સના કાપડને ડાઈ કરવા, તેને મશીનમાં વોશ કરવામાં આ બધા પાછળ પણ બીજા હજારો લીટર પાણીનો વપરાશ કરવામાં આવે છે.


માત્ર આટલું જ નહીં પણ વસ્ત્રોના ઉત્પાદનથી જે પ્રદુષણ ઉત્પન્ન થાય છે તે પણ કંઈ ઓછું નથી. દુનિયામાં જેટલા પણ પ્લેન, તેમજ સમુદ્ર પર દોડદાં જહાજો જેટલો ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન નથી કરતાં તેના કરતાં પણ વધારે ગ્રીન હાઉસ ગેસ કપડાંના ઉત્પાદનથી પેદા થાય છે. તેમજ તેને બનાવતી ફેક્ટ્રીઓમાંથી જે પ્રદુષિત પાણી સ્થાનીક નાળા તેમજ જમીનમાં છોડવામાં આવે છે તેના કારણે ભુગર્ભ પ્રદુષણ પણ ફેલાય છે. એક અહેવાલ પ્રમાણે દર વર્ષે 50 લાખ કરોડ લીટર પાણીનો ઉપયોગ માત્ર વસ્ત્રોના ડાઈંગ પાછળ જ થાય છે.


એક સંશોધન પ્રમાણે અમેરિકાનો નાગરિક દર વર્ષે 70 જેટલા કપડાં ખરીદે છે. અને જો તેને વર્ષમાં કેટલીવાર પહેરવાની ગણતરી કરવામાં આવે તો તે એક પણ કપડું છથી વધારેવાર નથી પહેરતો. પણ અમેરિકા હંમેશા પોતાના દેશને સુરક્ષિત રાખવા કોઈ પણ રસ્તો શોધી લે છે અને માટે જ તે આવું પોતાની ધરતી પરની હવાને નુકસાનકારક ઉત્પાદન પોતાના દેશમાં નહીં પણ અલ્પવિક્સત તેમજ વિકાશશીલ દેશોમાં કરાવવા લાગ્યો છે. જો કે તેમાં માત્ર અમેરિકાનો જ સમાવેશ નથી થતો પણ મોટા ભાગના વિકસિત દેશોની આજ નીતી છે.


અને માટે જ આજે એશિયાના વિકાસશીલ દેશો જેવા કે ભારત, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ચાઈના વિગેરેમાં કપડાંનું ઉત્પાદન વધતું જઈ રહ્યું છે. વસ્ત્રોની બ્રાન્ડ ડીસ્કાઉન્ટ આપવાનો ડોળ કરતાં નવી નવી ઓફરો પણ ગ્રાહકો માટે બહાર પાડે છે જેમાં તેઓ જુના વસ્ત્રો આપીને નવા વસ્ત્રો અમુક ડીસ્કાઉન્ટ પર લઈ જવાની લાલચ આપે છે. અને આ જે જુના વસ્ત્રો હોય છે તેને રિસાઈકલ કરવામાં નથી આવતા પણ તેને આફ્રિકાના ગરીબ દેશોના માર્કેટમાં મોકલી દેવામાં આવે છે.

જો કે વસ્ત્રોને રિસાઈકલ કરવા મુશ્કેલ છે


આજે જે પણ વસ્ત્રોનું ઉત્પાદન કરવામા આવે છે તે 100 ટકા કોઈ એક જ મટિરિયલમાંથી નથી બનાવવામા આવ્યા હોતા. તેને વિવિધ કાપડમાંથી બનાવવામાં આવે છે જેમ કે કોટનના વસ્ત્રોમાં પોલિએસ્ટર, રેયોન વિગેરેને મિક્સ કરવામા આવ્યા હોય છે માટે આ બધા જ રેશાઓને રિસાઈકલ દરમિયાન અલગ પાડવા એ એક અઘરુ કામ છે અને માટે જ વસ્ત્રોના રિસાઇકલીંગની અત્યાર સુધી શોધવામા આવેલી ટેક્નોલોજી એટલી કારગર સાબિત નથી થઈ.

તો હવે જ્યારે જ્યારે પણ તમે નવા વસ્ત્રો ખરીદી તેમજ જુના વસ્ત્રોને સારા હોવા છતાં ન પહેરો અથવા કાઢી નાખથી વખતે આ લાખો કરોડો લીટર પાણીના વ્યયને ચોક્કસ ધ્યાનમાં રાખો.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *