ભગવતી જગદંબા એ શ્રદ્ધાળુઓના વિવિધ કાર્યોને સિદ્ધ કરે છે અને એ જ સિદ્ધિ અનુસાર નામ ધારણ કરીને જુદા-જુદા નામે પૂજાય છે. આદ્યશક્તિનુ એક આવુ જ સ્વરૂપ એટલે કે તેમનુ માતા ‘આશાપુરી’ સ્વરૂપ. માતા શક્તિનુ આ એ સ્વરૂપ છે કે, જે લોકોની બધી જ આશાઓને પરિપૂર્ણ કરે છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના નવસારી શહેરમાં દુધિયા તળાવની પાસે દેવી આશાપુરીનુ સુંદર મંદિર વિદ્યમાન છે પરંતુ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે, અહી સર્જાયેલો દર્શનનો ત્રિવેણી સંગમ. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ સ્થાનકમા માતા આશાપુરીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે.
અહી માતાની એક તરફ પ્રભુ શ્રી ગણેશજી અને બીજી તરફ ઋષિ માર્કેંડય પણ બિરાજમાન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે ઋષિ માર્કંડેય જ હતા કે, જેમણે આદિશક્તિનો મહિમા ગાઈને તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. આમ, તો અનેકવિધ મંદિરોમા આ રીતે એક કરતા વધારે પ્રતિમાઓના દર્શન થતા હોય છે પરંતુ, આ ‘ત્રિમૂર્તિ’નું રહસ્ય સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેનારું છે.
માતા આશાપુરીના સ્થાનકમા દર્શન દેતી આ ‘ત્રિમૂર્તિ’ વાસ્તવમા તો એક જ પ્રતિમાનો ભાગ છે એટલે કે એક જ શિલ્પમાં કંડારવામા આવેલા છે આ ત્રણ રૂપ ! સૌથી અગત્યની વાત તો એ છે કે, આ પ્રતિમાઓ સ્વયંભૂ જ મળી આવી હતી. પ્રચલિત કથા મુજબ મલ્હારરાવ ગાયકવાડ સરકારના સમયમાં માતાએ સ્વયં તેમના સ્વપ્નમાં આવી પોતે આ સ્થાન પર હોવાનો નિર્દેશ આપ્યો હતો.
માતાના નિર્દેશ મુજબ ખોદતા અલભ્ય ત્રિમૂર્તિનું પ્રાગટ્ય થયુ. માતાએ સ્વપ્ન નિર્દેશ મુજબ જ પ્રગટ થઈ મલ્હારરાવ ગાયકવાડની આશા પૂરી કરી અને એટલે જ દેવી આશાપુરીના નામે અહી પૂજાયા. અનેક જીર્ણોદ્ધાર બાદ હાલ નવસારીમા માતાનું સુંદર મંદિર શોભાયમાન છે. પરંતુ, સૌથી રોચક વાત એ છે કે આ મૂર્તિને ક્યારેય તેના સ્થાન પરથી ખસેડવામા નથી આવતી.
ગુજરાતમાથી તો મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ અહી દર્શન હેતુસર આવે જ છે પરંતુ, આ સાથે જ વિદેશમા વસતા ગુજરાતીઓ પણ જ્યારે નવસારી આવે ત્યારે માતા આશાપુરીના આશીર્વાદ અવશ્યપણે લે છે. આ સ્થાનકને લઈને એક એવી લોકવાયકા પણ છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય પણ નિરાશ થવાનો વારો નથી આવતો. આ ઉપાંત માતા આશાપુરી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનાર પણ મનાય છે.