હાલમાં ગુજરાતમાં મોટા ભાગની પકોડીની લારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાફ સફાઈને લગતા મુદ્દા હાલમાં ખુબ જ ગંભીર બની રહ્યા છે અને લગભગ ૪૦૦૦ કિલોથી પણ વધારે પકોડી, તેનું પાણી અને બટાકા ફેંકી દેવામાં આવ્યા છે. પરંતુ તમને ખબર છે કે દેશભરમાં પાણીપુરી, ગોલગપ્પા, કુચકા કેવા અલગ અલગ નામે ઓળખતી આ પકોડીનું કનેક્શન મહાભારત અને મગધ સમય સુધી છે.
પાંડવોના લગ્ન જયારે દ્રૌપદી સાથે થયા ત્યારે કુંતીએ તેમની પરીક્ષા લેવા વિશે વિચાર્યું અને એ માટે કુંતીએ એક દિવસ દ્રૌપદીને ઘણી બધી શાકભાજી સામે થોડોક જ લોટ આપ્યો. આમાંથી દ્રૌપદીએ પાંચે પાંચ પાંડવોનું પેટ ભરવાનું હતું. અને જવાબમાં દ્રૌપદીએ લોટમાંથી ગોળ ગોળ પતાશા બનાવ્યા જેની વચ્ચે શાકભાજી મુકીને પાંડવોને ખવડાવ્યું અને પાંડવોએ પણ પેટ ભરીને ખાધું. આ જોઇને માતા કુંતી પણ ખુશ થઈ ગયા. આને પકોડીનું પહેલું મોડલ માનવામાં આવે છે.
આ ઉપરાંત, ઈન્ટરનેટ ઉપર ઘણી જગ્યાએ લખેલું છે કે મગધ સામ્રાજ્યમાં ફૂલકિસ એટલે કે પાણીપકોડી ખુબ જ પ્રખ્યાત હતી. આથી તેનો પણ પાણીપુરી સાથે સીધો સંબંધ જોડી શકાય એમ છે.
જો કે આ ફક્ત એક દંતકથા છે અને આ વાત સાચી છે એનું કોઈ પ્રમાણપત્ર પણ નથી પરંતુ ફૂડ હિસ્ટોરિયન પુષ્પેશ પંત જણાવે છે કે ગોલગપ્પા ખરેખરમાં રાજ કચૌડીથી બનેલું વ્યંજન હોઈ શકે છે. આ વાનગીનો પ્રારંભ પણ ઉત્તરપ્રદેશ અને બિહારની વચ્ચે ક્યાંક બનારસમાં ૧૦૦ થી ૧૨૫ વર્ષ પહેલા થયેલો હોઈ શકે છે.
પકોડીનો ઇતિહાસ ભલે ગમે એટલો જુનો હોય, પણ એક વાત તો નક્કી જ છે કે આ જ આખા ભારતની સૌથી પ્રખ્યાત ડીશ છે.