જો તમે લાંબા સમય પછી સરદાર પટેલ રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હોવ તો ઓગંજ સર્કલની આસપાસનો નયનરમ્ય નજારો જોઈને તમે દંગ રહી જશો. અહીંથી તમને એક એવું શહેર જોવા મળશે જે ચોક્કસથી તમને આકર્ષિત કરશે.કદાચ તમે આ શહેરને જોયા વગર ન જાવ. આ સ્થાન પ્રમુખસ્વામી મહારાજ નગર છે. જે પ્રમુખ સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી માટે વિકસાવવામાં આવી છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી જન્મ શતાબ્દીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીજી મહારાજની હાજરીમાં કરવામાં આવશે.
છેલ્લા 5 વર્ષથી પ્રમુખ સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી વૈશ્વિક સ્તરે BAPSના તમામ કેન્દ્રોમાં કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 600 એકરમાં ફેલાયેલા પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે યોજાનાર આ ભવ્ય સમારોહમાં દેશ-વિદેશમાંથી લગભગ 1 લાખ ભક્તો અને સ્વયંસેવકો ભાગ લેશે અને સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપશે. આ શહેર 80000 થી વધુ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે ઘણા આકર્ષણો ધરાવે છે. અહીં પ્રમુખસ્વામીજી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ અને સનાતનને સાંસ્કૃતિક માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવશે.
અહીં આવતા ભક્તો માટે મુખ્ય પ્રવેશદ્વાર 380 ફૂટ લાંબો અને 51 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે. જેમાં સંત દ્વારમાં આદિ શંકરાચાર્યજી, તુલસીદાસજી, સ્વામી વિવેકાનંદજી, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર વગેરે જેવી પ્રેરણાદાયી હસ્તીઓની 28 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, જે સનાતન પરંપરાના મૂળને મજબૂત કરશે. આ ઉપરાંત ભક્તોની શહેરમાં પ્રવેશવાની સુવિધા માટે 116 ફૂટ લાંબા અને 38 ફૂટ ઊંચા 6 દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામીજી મહારાજના જીવન અને કાર્યનો સચિત્ર પરિચય દરેક દ્વાર પાસે આપવામાં આવ્યો છે, જેથી અહીં આવતા ભક્તો તેમના જીવનના સંદેશાને નજીકથી જાણી શકે.