Uunchai Trailer Launch: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઊંચાઈ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સૂરજ બરજાત્યાની અન્ય ફિલ્મોની જેમ આ પણ એક પારિવારિક ફિલ્મ છે, જેમાં ચાર મિત્રોના જીવનની કથા છે, જેઓ અશક્ય દેખાતા સ્વપ્નને સાકાર કરવા માટે જોરદાર પ્રયાસ કરે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ આ વર્ષે 11 નવેમ્બરે થિયેટરોમાં ધમાલ મચાવશે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા, ડેની ડેન્ઝોંગ્પા અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું ટ્રેલર લાગણી, પ્રેમ અને પ્રેરણાથી ભરપૂર છે. ટ્રેલરમાં અમિતાભ બચ્ચન, બોમન ઇરાની અને અનુપમ ખેર મિત્ર માટે ઉંમરના આ તબક્કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સપનું જોઇ રહ્યા છે અને બેઝ કેમ્પ માટે રવાના થઇ ગયા છે. જો કે, જે કોઈ પણ વ્યક્તિ તેના સ્વપ્ન વિશે સાંભળે છે, તે તેને પાછા જવાની સલાહ આપે છે.
જો કે અમિતાભ, બોમન અને અનુપમ કોઇની વાત સાંભળતા નથી અને ટ્રેક પર જવા નીકળી પડે છે. આ દરમિયાન તેમને વરસાદ, બરફ, ખરબચડા રસ્તેથી પસાર થવું પડે છે. જો કે તે હાર નથી માનતા. પરંતુ, ટ્રેલરના અંતમાં માત્ર અમિતાભ બચ્ચન જ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચતા જોવા મળે છે, જેને જોઈને દરેકના મનમાં એક જ સવાલ ઉઠે છે. શું અનુપમ ખેર અને બોમન ઇરાની ટ્રેક દરમિયાન હાર માની લે છે?
તમને જણાવી દઈએ કે ટ્રેલરમાં ત્રણ ફીમેલ લીડ પરિણીતી, નીના અને સારિકા પણ જોવા મળી રહી છે. નીના ગુપ્તા બોમન ઈરાનીની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. સાથે જ સારિકાના પાત્ર વિશે પણ ખાસ કંઈ બતાવવામાં આવ્યું નથી. ટ્રેલરના અંતમાં બિગ બીના અવાજમાં ભૂપેનનું પ્રિય ગીત ‘યે જીવન હૈ’ એક અલગ જ ફીલ આપે છે. નોંધપાત્ર વાત એ છે કે, આ ગીત રાજશ્રી પ્રોડક્શનનું ક્લાસિક ગીત છે.