અયાન મુખર્જીની મોટા બજેટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ લાંબી રાહ જોયા બાદ થિયેટરોમાં હિટ થવાની તૈયારીમાં છે. બહિષ્કાર વચ્ચે આ ફિલ્મને હિટ બનાવવા માટે બોલિવૂડથી લઇને સાઉથના કલાકારોએ કમર કસી લીધી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉત્તર ભારતમાં આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે ત્યારે આ જોડીને સાઉથમાં એસ એસ રાજામૌલી અને જુનિયર એનટીઆરનો સપોર્ટ મળ્યો છે. દરમિયાન, એક અહેવાલ બહાર આવ્યો છે,એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચનને ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી પર ગુસ્સો આવ્યો હતો.
અમિતાભ બચ્ચન ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે. તેનો આ લુક પણ દરેકને પસંદ આવ્યો છે. પરંતુ એક અહેવાલ પણ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શૂટિંગના દિવસોમાં અમિતાભ બચ્ચનનો ગુસ્સો અયાન મુખર્જી અને કરણ જોહરે ઉઠાવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અયાન મુખર્જી દ્વારા ફિલ્મના શૂટિંગ શેડ્યૂલમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા હતા અને આ કારણે અમિતાભ બચ્ચન નારાજ હતા.
સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે અમિતાભે કરણ જોહરને કહ્યું હતું કે જો આમ જ ચાલતું રહ્યું તો ‘બ્રહ્માસ્ત્ર’ એક ‘આપત્તિ’ સાબિત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો અમિતાભ બચ્ચન પોતાના શિડયુલ અંગે હંમેશા શિસ્તબદ્ધ રહે છે અને તેઓ વારંવાર ફિલ્મના શૂટિંગના રિશેડ્યૂલથી ખુશ નહોતા અને એટલે જ તેમણે કરણ જોહરને કહ્યું હતું કે અયાન પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે અને તેણે ફિલ્મમાં પૈસા રોકવાનું બંધ કરી દેવું જોઇએ કારણ કે આ ફિલ્મ આપત્તિજનક સાબિત થશે. જો કે હવે અમિતાભ બચ્ચનને આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.
ફિલ્મની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે, જેમાં આ બંને એક્ટર સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. પાન ઇન્ડિયા લેવલ પર રિલીઝ થનારી આ ફિલ્મ ત્રણ ભાગમાં આવશે, જેનો પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહ્યો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે, જેમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.