છોકરીઓને માસિક દરમિયાન મંદિરમાં ન જવું જોઇએ, સાંજના સમયે ઘરમાંથી બહાર કચરો ફેંકવો ન જોઇએ સહીતની અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો આ પાછળના યોગ્ય તાર્કિક જવાબ જાણતા હોય છે.
આપણે વૃક્ષોને પવિત્ર માની તેની પૂજા કરીએ છીએ પરંતુ રાતના સમયે પીપળાના ઝાડ નજીક ન જવાની વડીલો દ્ધારા સલાહ આપવામાં આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે રાતના સમયે પીપળાનું વૃક્ષ ઓક્સિજન શોષે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જેને કારણે રાત્રે પીપળાના વૃક્ષ પાસે જવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. જેથી લોકો રાત્રે પીપળાના વૃક્ષ પાસે જવાની મનાઇ કરતા હોય છે.
આપણામાં ઘણા લોકો ખરાબ નજરોથી બચવા માટે દુકાન, ઘર, વાહનો પર લિંબુ-મરચા લગાવતા હોય છે. આ પાછળ કોઇ અંધશ્રદ્ધાનું કારણ નથી પરંતુ વૈજ્ઞાનિક કારણ છે. હકીકતમાં લિંબુ-મરચામાં જે કોટન દોરો વપરાય છે તે લિંબુ અને મરચના એસેન્સને શોશે છે અને તેની સ્મેલથી જીવજંતુ અને જીવાત દૂર રહે છે જેથી જૂના જમાનામાં લોકો જીવાતને દૂર રાખવા માટે ઘોડાગાડી કે બળદગાડામાં લિંબુ મરચા બાંધતા હતા.
ઘણા ઘરોમાં એવી માન્યતા છે કે સાંજના સમયે ઘરનો કચરો બહાર ફેંકવો જોઇએ નહી. વાસ્તવમાં અગાઉના સમયમાં લાઇટો ન હોવાના કારણે અંધારુ રહેતુ હતું જેથી કોઇ કામની વસ્તુ કચરા સાથે જતી ના રહે આ માટે આ પ્રકારનો નિયમ હતો.