કેવી રીતે ઉતારશો વજનઃ આજની ઝડપી જિંદગીમાં મોટાભાગના લોકો જાડાપણાથી પરેશાન હોય છે, પરંતુ શું તમે વિચારી શકો છો કે કોઈનું વજન 300 કિલો હોઈ શકે છે? અમેરિકામાં રહેતા નિકોલસ ક્રાફ્ટ નામના એક વ્યક્તિનું વજન 300 કિલો હતું અને ડોક્ટરોએ તેને ‘ટિક-ટિક-ટિક ટાઇમ બોમ્બ’ કહેવાનું શરૂ કરી દીધું હતું. ડોક્ટરોનું માનવું હતું કે નિકોલસનું જીવન લાંબુ ન હોઈ શકે, પરંતુ હવે નિકોલસે કમાલ કરી છે અને 165 કિલો વજન ઘટાડ્યું છે.
નિકોલસ ક્રાફ્ટ માટે વજન ઉતારવું સહેલું નહોતું અને તેને આ કામ કરવામાં ચાર વર્ષ લાગી ગયા હતા, પરંતુ તે મેદસ્વિતાથી મુક્ત થઈ ગયો છે અને હવે તે ફિટ છે.
300 કિલો વજન ધરાવતા નિકોલસ ક્રાફ્ટે ચાર વર્ષની મહેનત બાદ 365 પાઉન્ડ (લગભગ 165 કિલો) વજન ઘટાડ્યું છે.
નિકોલસ ક્રાફ્ટે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે અને લોકો તેના જૂના ફોટા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે તે ખૂબ જાડો રહેતો હતો. લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે 300 કિલોનો માણસ હવે કેવી રીતે લગભગ 135 કિલો થઈ ગયો છે.
નિકોલસ ક્રાફ્ટનું કહેવું છે કે, વધુ પડતા ખાવા-પીવાને કારણે તેનું વજન વધી ગયું હતું. સ્કૂલમાં બાળકો મજાક ઉડાવતા હતા અને ડોક્ટર્સે પણ કહ્યું હતું કે, તેમનું જીવન બહુ લાંબું નહીં હોય. નિકોલસે કહ્યું કે, ઘરે તેની દાદીએ તેને વજન ઘટાડવાની પ્રેરણા આપી હતી અને તેણે વજન ઘટાડવાનો સંકલ્પ કર્યો હતો. જોકે, દાદી વજન ઉતારે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
દાદીના અવસાન બાદ પણ નિકોલસ ક્રાફ્ટે હાર ન માની અને વજન ઘટાડવાની સફર ચાલુ રાખી. વજન ઓછું કરવા માટે નિકોલસે પહેલા પોતાની ખાવાની આદત બદલી અને જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું. તેમણે વજન ઘટાડવા માટે કોઇ ખાસ ડાયટ નથી લીધું, પરંતુ માત્ર બેલેન્સ્ડ કેલરી જ લીધી છે.