ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. ભારતના ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ બોલીવૂડની અભિનેત્રીઓને દિલ આપીને લગ્ન કર્યા હતા અને જીવનસાથી બનાવ્યા હતા. આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. જો કે આજે અમે તમને એક એવા અન્ય ખેલાડી વિશે જણાવીશું જેણે બોલિવૂડ એક્ટ્રેસ સાથે લાંબા રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા હતા.
પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને લાંબા સંબંધ બાદ બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.
સાગરિકા ઘાટગે 8 જાન્યુઆરી, 2023 ના રોજ 37 વર્ષની થઈ હતી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલી સાગરિકાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઝહીર અને સાગરિકાના સંબંધો ત્યારે સામે આવ્યા જ્યારે બંને યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં સાથે આવ્યા હતા. આ પહેલા આઈપીએલની ઘણી મેચો દરમિયાન સાગરિકા પણ ઝહીર માટે મેદાન પર ચિયર કરતી જોવા મળી હતી.
સાગરિકા પહેલા ઝહીર ખાન બોલિવૂડ એક્ટ્રેસ ઈશા શરવાની સાથે રિલેશનશિપમાં હતો. બંને વચ્ચેના સંબંધો લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યા હતા. એટલું જ નહીં, 2011ના વર્લ્ડ કપ દરમિયાન બંનેના લગ્ન થવાના સમાચાર આવ્યા હતા. જો કે આ અંગે કોઇએ કંઇ કહ્યું નહીં અને બાદમાં તેમના સંબંધોનો અંત આવી ગયો.
સાગરિકાએ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં યાદગાર ભૂમિકા ભજવી હતી. પ્રીતિ સભરવાલના પાત્રથી તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. ત્યારબાદ તે ફિલ્મ ‘ફોક્સ’માં ઉર્વશી માથુરના રોલમાં જોવા મળી હતી.