દરેક મનુષ્ય એવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે જ્યાં કોઈને કોઈ રહેતું. કારણ કે મનુષ્ય એકબીજા વગર ક્યાંય રહી શકતો નથી. તેની પાછળનું કારણ તેમનો સામાજિક સ્વભાવ છે. પરંતુ આજે અમે તમને એક મહિલાની વાત કહેવા જઈ રહ્યા છીએ જે વર્ષોથી એક ગામમાં એકલી જ રહે છે. આ સ્ત્રી ખૂબ જ વૃદ્ધ છે અને તેની સંભાળ લેનાર પણ કોઈ નથી. તેમ છતાં આ મહિલા આ ગામમાં શાંતિથી રહે છે.
ઘણીવાર એવું થાય છે કે કોઈ કુદરતી કારણસર ગામ સંપૂર્ણ નાશ પામ્યું હોય અને ત્યાં એકાદ વ્યક્તિ સિવાય કોઈ ન બચ્યું હોય. પરંતુ એવું ન બને કે કોઈ આફત પણ ન આવી હોય અને તેમ છતાં કોઈ વ્યક્તિ એકલા રહે. ઘણીવાર ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, પાણી, આરોગ્ય અને રોજગાર જેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ગામની વસ્તી ઓછી થઈ જતી હોય છે. કારણ કે લોકો તે જગ્યાએથી બીજે રહેવા જતા રહે છે. પરંતુ ઉપરોક્ત કોઈ કારણ વિના પણ વિશ્વમાં એક એવું ગામ છે જ્યાં આખા ગામમાં ફક્ત એક મહિલા બાકી છે.
આ ગામ આવ્યું છે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં. આ ગામનું નામ મોનોવી છે. વર્ષ 2010 માં છેલ્લી વખત અહીં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે આ ગામમાં એક મહિલા જ રહે છે. તે પણ ખૂબ જ વૃદ્ધ છે. આ મહિલાનું નામ એલ્સી આઈલર છે. હાલમાં તેની ઉંમર 86 વર્ષની આસપાસ છે. તે આ ગામની સર્વેસર્વા છે. એટલે કે તે જ અહીંની મેયર, લાઈબ્રેરિયન અને બારટેંડર છે. જાણવા મળ્યાનુસાર આઈલર વર્ષ 2004થી આ ગામમાં એકલી જ રહે છે.
54 હેક્ટરમાં ફેલાયેલું આ ગામ એક સમયે આબાદ હતું. વર્ષ 1930 સુધી અહીં 123 લોકોની વસ્તી હતી. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે આબાદી ઘટતી રહી અને વર્ષ 1980 સુધીમાં ગામમાં 18 લોકો જ રહ્યા. ત્યારબાદ 2000 સુધીમાં ગામમાં બે લોકો જ બચ્યા જેમાં એક આઈલર અને બીજા તેના પતિ રુડી હતા. પરંતુ વર્ષ 2004માં રુડીનું પણ મોત થયું ત્યારબાદથી આઈલર અહીં એકલી જ રહે છે.
86 વર્ષની આઈલર અહીંની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિનો આનંદ માણે છે. તે અહીં એક બાર ચલાવે છે જ્યાં અન્ય રાજ્યના લોકો પણ ફરવા માટે આવે છે. બહારથી આવતા લોકો તેની મદદ પણ કરે છે.
આ ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ હતી. પરંતુ ઘટતી આબાદી અને લોકોના સ્થળાંતરના કારણે તેને બંધ કરી દેવામાં આવી. રોજગારની ખામીના કારણે લોકો અહીંથી પરીવાર સાથે અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા પરંતુ આઈલર અહીં જ આજ સુધી રહે છે.