ભારત આજે પોતાનો 74મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. આ ખાસ અવસર પર અમે તમને ટીમ ઇન્ડિયાના એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે પોતાના દેશ માટે ડબલ રોલ રમે છે. આ ખેલાડીઓ રમતના મેદાનની સાથે સાથે દેશની સુરક્ષામાં પણ યોગદાન આપે છે.
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની બાળપણથી જ આર્મીમાં જોડાવા માંગતો હતો. તે ઘણીવાર નવરાશના સમયમાં ભારતીય સેનાના યુવાનો સાથે સમય વિતાવે છે. વર્ષ 2015માં ધોનીને ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીતનારા કેપ્ટન કપિલ દેવનો પણ સેનામાં સમાવેશ થાય છે. કપિલ દેવને વર્ષ 2008માં ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી હતી. આ ઉપરાંત કપિલ દેવને 2019માં હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાન્સેલર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ લિસ્ટમાં દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. સચિન તેંડુલકરને વર્ષ 2010માં ભારતીય વાયુસેનાનો ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ સ્પિન બોલર્સમાંના એક હરભજન સિંહને પોતાની શાનદાર રમતને કારણે પંજાબ પોલીસમાં ડીએસપી પણ બનાવવામાં આવ્યા હતા. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ છે.
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારત માટે આ ટુર્નામેન્ટ જીતવામાં જોગિન્દર શર્માનો ખૂબ જ મહત્વનો ફાળો હતો. જોકે તે લાંબા સમય સુધી ટીમનો ભાગ નહતો અને બહાર થઈ ગયો. પરંતુ હવે જોગિન્દર હરિયાણા પોલીસમાં ડીસીપી તરીકે કામ કરી રહ્યો છે.