આજથી શક્તિપૂજાના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો જોરશોર સાથે શુભારંભ થઈ ચુક્યો છે. આ તહેવારની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવણી કવરામા આવશે. આ ઉત્સવ શક્તિની ઉપાસનાનો ઉત્સવ છે. શક્તિ એટલે કે મહિલાઓ પ્રત્યે સમ્માન દર્શાવવાનો ઉત્સવ છે. તમે એ સારી રીતે જાણો છો કે મહિસાસુર જેવા રાક્ષસનો વધ કરવો ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુના બસની વાત નહોતી તેનો વધ કર્યો હતો માતા દુર્ગાએ. આમ મહિલાઓમાં અપાર શક્તિ રહેલી છે અને તે શક્તિનું સમ્મન દરેકે કરવું જ જોઈએ.
શારદીય નવરાત્રી એટલે કે આસો મહિનામા આવતી નવરાત્રીનું એક આગવું મહત્ત્વ રહેલુ છે. આપણા ગુજરાતનો તો આ સૌથી મહત્તવનો તહેવાર છે. આખા વર્ષમાં ચાર નવરાત્રીઓ આવે છે જેમાં સૌથી વધારે મહત્ત્વની આ શારદીય નવરાત્રી હોય છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો વ્રત-ઉપવાસ તેમજ માતાજીની ઉપાસના કરે છે. તેમજ આ જ નવરાત્રીમાં કન્યાઓની પણ પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન કરવામા આવે છે. શારદીય નવરાત્રી સાથે ઘણીબધી વાયકાઓ, માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આજે અમે તમારા માટે આ નવરાત્રી સાથે જોડાયેલી તેવી જ કેટલીક વાતો લઈને આવ્યા છીએ.
આસો નવરાત્રિમાં શા માટે કરવામાં આવે છે કન્યાઓની પૂજા
નાની ઉંમરની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પણ આ નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને આઠમના દિવસે 2થી 10 વર્ષની ઉંમર વચ્ચેની કન્યાઓની પૂજા કરીને તેમને ભાવતુ ભોજન જમાડવામાં આવે છે. કન્યાઓની ઉંમર પ્રમાણે તેમને વિવિધ દેવીઓના સ્વરૂપ માનવામાં આવે છે જેમ કે 2 વર્ષની બાળકીને કુમારિકા કહેવાય છે તો ત્રણ વર્ષની બાળકીને ત્રિમૂર્તિ કહેવાય છે, જ્યારે 4 વર્ષની બાળકીને કલ્યાણી માનવામાં આવે છે, 5 વર્ષની કન્યાઓને રોહિણી માનવામાં આવે છે, છ વર્ષની બાળકીને કાલિકા માનવામાં આવે છે, 7 વર્ષની કન્યાને ચંડિકામાતા માનવામાં આવે છે, 9 વર્ષની કન્યાને દુર્ગામાતાનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે 10 વર્ષની બાળકીઓને સુભદ્રાનું સ્વરૂપ માનવામાં આવે છે.
બાળકો હંમેશા નિર્દોશ હોય છે તેમના મનમાં કોઈ જ કપટ, રમત કે ઝેર નથી હોતા. માટે જ તેને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પગ ધોઈને પૂજા કર્યા બાદ તેમને જમાડવામાં આવે છે. અને સાથે તેમને દક્ષિણા પણ આપવામાં આવે છે. તો વળી કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે તેમને વસ્ત્ર કે પછી કોઈ વાસણની ભેટ પણ આપે છે.
શા માટે નવરાત્રિ દરમિયાન વ્રત કરવામા આવે છે ?