ટીમ ઈન્ડિયાએ બુધવારે અમદાવાદમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રેકોર્ડ જીત મેળવી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 168 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો શુભમન ગિલ હતો. ગિલે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. ગિલ હાલ શાનદાર ફોર્મમાં છે. ત્યારે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડની બહાર પણ મનોરંજન પુરું પાડ્યું હતું. યુવા પ્લેયર્સ શુભમન ગિલ, ઈશાન કિશન અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે રિયાલિટી શો ‘રોડિઝ’ના એક સીનને રિક્રિએટ કર્યો હતો.
આ વીડિયોમાં ગિલ કન્ટેસ્ટન્ટ બન્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને ઈશાન કિશન જજ બન્યા છે. ત્યારે ચહલ ગિલને કંઈક પૂછે ત્યારે, ઈશાન ગુસ્સે થઈને હાથમાં રહેલો ટુવાલ નીચે ફેંકી દે છે. જેના પછી ગિલ કહે છે કે ‘આઈ હેવ ધેટ પેશન’. જેના પછી ઈશાન કિશન ગોરિલાની જેમ જ કૂદકા મારતા મારતા ગિલ પરથી ઠેકડો મારે છે.
આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. અમુક લોકોએ શુભમન ગિલની પોસ્ટ પર મજાકમાં લખ્યું છે કે ‘પ્લેયર જ્યારે ફોર્મમાં હોય, તો આ મસ્તી પણ ચલાવી જ લેવાય’. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 2-1થી સિરીઝ જીતી લીધી હતી. ત્રીજી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને માત્ર 66 રનમાં જ ઓલઆઉટ કરીને 168 રને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે તેમના T20 ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં સદી ફટકારનાર શુભમન ગિલ પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.